બાળકોને પ્રેરણા આપતી કચ્છની બાર વર્ષીય લેખિકા વાચા ઠક્કર ને મળ્યું વિશેષ સન્માન

કચ્છની ઝળહળતી બાળ લેખિકા વાચા ઠક્કર ના ભારતીય સંસ્કૃતિ પર આધારિત પુસ્તક ‘સનાતન વર્ડ સર્ચ’ ને તેના ચાહકો તેમજ શાળાઓ અને વિદ્યાર્થી વર્ગનો બહોળો પ્રતિસાદ મળતાં ગુજરાતની જાણીતી સંસ્થાઓ કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક ક્લબ એ અમદાવાદ ખાતે યોજાયેલ ‘પ્રથમ પુસ્તક સન્માન સમારોહ’ માટે સાહિત્ય અને કલા થકી બાળકોને પ્રેરણા આપતી વાચા ઠક્કર ને વિશેષ આમંત્રણ આપ્યું હતું. જેમાં આમંત્રિત મહાનુભાવો મિતલબેન પટેલ, દક્ષાબેન પટેલ અને રાધાબેન મહેતા સાથે સંસ્થાના અગ્રણી શ્રી સ્નેહલભાઈ પટેલ એ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી કચ્છની દીકરી વાચાનું સન્માન કર્યું.

નવોદિત લેખિકાઓને સન્માન આપવા યોજાયેલ આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત માંથી અન્ય અગિયાર લેખિકાઓની પસંદગી થઈ હતી. આ પ્રસંગે શ્રી સ્નેહલભાઈ એ કહ્યું કે “ગુજરાતમાં મહિલાઓ સાહિત્ય ક્ષેત્રે અગ્રસર થાય અને નવોદિત લેખિકાઓને પ્રેરણા મળે એ જ સંસ્થાનો ઉદેશ્ય છે. ફક્ત બાર વર્ષની વયે પુસ્તક પ્રકાશિત કરી વાચા સૌ લેખિકાઓ માટે એક પ્રેરણા અને ગુજરાતનું ગૌરવ બની છે.” તો કલાકાર વાચા ના માર્ગદર્શક અને ગિવ વાચા ફાઉન્ડેશનના પ્રણેતા ડૉ. કૃપેશ ઠક્કર એ શુભકામના આપતા કહ્યું કે “વાચા ની સિદ્ધિઓ તેની પ્રખર મહેનત અને ધગસ નું પરિણામ છે. આવી જ રીતે અન્ય કલાકારોના સર્વાંગી વિકાસ અને કારકિર્દી ઘડતર માટે પણ સંસ્થા હંમેશા તત્પર રહેશે.” આ ઉપરાંત વાચાનું પુસ્તક પ્રકાશિત કરનારી સંસ્થા કૃપ પબ્લિશિંગ એ સર્જકો અને સર્જન ને વિશ્વસ્તરે ઉજાગર કરવાની બાહેંધરી લેતા નવોદિત સર્જકોને પણ ઝળહળવાની સુવર્ણ તકો આપવાની જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વાચા ગાયિકા અને અભિનેત્રી તરીકે પણ સફળ કારકિર્દી ધરાવે છે. કાર્યક્રમની શરૂઆતમાં તેણે પોતાની લોકપ્રિય પ્રાર્થના ‘મંગલમય સબ કર દેના‘ રજૂ કરી સૌ મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતાં. ટૂંક સમયમાં જ તેના અન્ય પુસ્તકો પણ વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવામાં આવશે.