પૂજ્ય ગુરુમૈયા ડૉ. હરેશ્વરીદેવીજીને હસ્તે ડૉ. કૃપેશ ઠક્કરને મળ્યો ‘સંગીત-સાહિત્ય રત્ન ઍવોર્ડ’
હાલમાં જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજમાં આગવું સ્થાન ધરાવતા વ્યક્તિઓને વિશેષ સન્માન અર્પિત કરી પ્રેરણા અપાઈ રહી છે ત્યારે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે કચ્છના ઓમકારધામ ધ્યાનતીર્થ ખાતે સંગીત અને સાહિત્યને વિશ્વ સ્તરે ઉજાગર કરનાર ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કરને ગુરુમૈયા શ્રી હરેશ્વરીદેવીજીને હસ્તે ‘સંગીત-સાહિત્ય રત્ન ઍવોર્ડ’ એનાયત થયો.
આ પ્રસંગે શ્રી હરેશ્વરીદેવીજીએ કહ્યું કે “સંગીત અને સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી ડૉ. કૃપેશએ કચ્છનું નામ વિશ્વસ્તરે ઉજાગર કર્યું છે ત્યારે તેમને પુરસ્કાર આપતાં અમને ગર્વ થાય છે.” તો આભાર વ્યક્ત કરતાં ડૉ. કૃપેશએ કહ્યું કે “ભગવદ્ ગીતાના જ્ઞાનને આધારે હું ફક્ત કર્મ કરવામાં માનું છું. આ સફળતાઓ એ આપ સર્વેના આશીર્વાદનું પરિણામ છે જે હું મારા પંચેશ્વર એવા મારા માતા-પિતા અને પરિવારને સમર્પિત કરું છું.” આ કાર્યક્રમમાં ગુરુમૈયા તેમજ ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે ડૉ. કૃપેશના પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ઓમ મેડિટેશન મંત્ર’ ગીતનું પણ લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી મોહનભાઈ પટેલ, પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ આણંદ ના શૈલેશભાઈ શાહ તથા કચ્છના વરિષ્ઠ સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગીતકાર, સંગીતકાર અને ગાયક તરીકે ડૉ. કૃપેશના ૧૦૦ થી પણ વધુ ગીતો વિશ્વ સ્તરે લોન્ચ થયા છે. તથા તેમણે દિવ્ય કુમાર, અલ્કા યાજ્ઞિક, શાન, નીરજ શ્રીધર અને જાવેદ અલી જેવી બોલિવૂડની નામી હસ્તીઓ સાથે કામ કર્યું છે. લેખક તરીકે તેમના ગીતાના જ્ઞાનને જીવનમાં ઉતારવા પર આધારિત પુસ્તકો ‘અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ અને ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ તથા કચ્છી પુસ્તક ‘અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા’ દેશ-વિદેશમાં બેસ્ટ સેલર બન્યા છે. એક દિગ્દર્શક તરીકે તેમણે પોતાના પચ્ચીસ જેટલા મ્યુઝિક વિડિયોમાં કચ્છ અને ગુજરાતની સંસ્કૃતિ અને ધરોહરને ઉજાગર કરી છે. તો વેબ સીરીઝ અને ફીચર ફિલ્મ પણ બનાવેલી જેને ઘણા પુરસ્કાર મળ્યા છે. ડૉ. કૃપેશ એ સનાતન સંસ્કારોના જતન અને સંવર્ધન માટે ગીતાના અધ્યાયો, વૈદિક મંત્રો અને પૌરાણિક સ્તુતિઓને સંગીત સાથે વિશ્વભરમાં ૨૦૦ થી વધુ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લોન્ચ કરી લોકોના હ્રદય સુધી પહોંચાડી છે. આ ઉપરાંત તબીબ અને મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે સ્વાસ્થ્ય થકી જનકલ્યાણ માટે વર્ષોથી નિઃશુલ્ક સેવાઓ પણ આપી રહ્યા છે. સમાજસેવા ક્ષેત્રે ડૉ. કૃપેશ નયના શશીકાંત તરીકે ગિવ વાચા ફાઉન્ડેશનની સ્થાપના સાથે અનેક સામાજિક – સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા તેઓ દસ વર્ષથી કર્મયોગ કરી માતા-પિતાને સમર્પિત કરે છે.