કચ્છી સાહિત્ય અકાદમી અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે યોજાયું ‘કચ્છી યુવા કવિ સંમેલન’
ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત કચ્છી ભાષાના ઉત્થાન માટે સદા કાર્યરત એવી ‘કચ્છી સાહિત્ય અકાદમી’ અને સંસ્કૃતિનું સંવર્ધન કરવા દસ વર્ષથી સક્રિય સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘કચ્છી યુવા કવિ સંમેલન’ નું ભુજના ટેન- ઇલેવન લોન્જ ખાતે આયોજન થયું. મહિલા દિવસ નિમિતે યોજાયેલા આ અવસરે સંયોજક ડૉ કૃપેશ નયના શશીકાંત એ અકાદમીના પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ જ્હા અને મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ પ્રત્યે આભાર વ્યક્ત કરીને શબ્દ વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરી. તો ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ ઉપસ્થિત સૌ મહેમાનો અને શ્રોતાઓને કચ્છી ભાષાને વધાવવા શુભકામનાઓ પાઠવી હતી.


કવિ સંમેલનની શરૂઆતમાં સનાતન સંસ્કૃતિ આધારિત બે બેસ્ટ-સેલર પુસ્તકોની લેખિકા અને કવિયત્રી બાર વર્ષીય વાચા ઠક્કર એ સ્વરચિત કવિતાઓ રજૂ કરી. ત્યાર બાદ શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક વિજેતા શ્રીમતી અરુણા ઠક્કર, ડૉ. પૂજા ઠક્કર, ડૉ. ચેતના જોશી, પ્રતિમા સોનપાર, અંજલી સેવક, ખુશાલી ઠક્કર, તન્વી બલભદ્ર, અને કાજલ ઠક્કરએ કવિતાઓનો દોર સંભાળ્યો. ગૌરવ પુરસ્કારથી સન્માનિત શ્રી મદનકુમાર અંજારિયા અને ડૉ. રમેશ ભટ્ટએ નારીરત્નોની સરાહના કરતાં વક્તવ્ય આપ્યું હતું. તો જાણીતા લેખિકા શ્રીમતી રમિલાબેન મહેતાએ ડૉ. કૃપેશનું સન્માન કરી અને કચ્છી ભાષાને પ્રોત્સાહિત કરતાં આ કાર્યની સરાહના કરી. આ ઉપરાંત જોગેશ્વરીબેન છાયા, રૂપલબેન મહેતા, લતાબેન સોલંકી, હેતલબેન ગોસ્વામી અને હેમલતાબેન લોચા જેવા સાહિત્યકારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે ડૉ. કૃપેશએ કહ્યું કે “કચ્છી યુવા કવિઓ માટેના ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં કચ્છી સાહિત્ય અકાદમીએ સહયોગ આપ્યો એ બદલ આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમને શ્રોતાઓએ ઉત્સાહભેર વધાવ્યો છે ત્યારે અમે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરતા રહીશું.” અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કચ્છના વિવિધ શહેરો માંથી બહોળી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ પધાર્યા હતાં. કવિ સંમેલનનું સફળ સંચાલન કાજલબેન ઠક્કરએ સંભાળ્યું હતું. પ્રસંગના અંતે અલ્પાહાર લઈ સૌએ વિદાય લીધી.