Chapter 2 Shraddhavan Labhate Jnanam | Arjun Uvacha

२. श्रद्धावान् लभते ज्ञानम्

ગીતકાર કૃપેશે મને પૂછ્યું,
“કહેને અર્જુન! ક્યાં છે કૃષ્ણ?”
“કૃષ્ણ ક્યાં છે? ભગવાન ક્યાં છે? એવો જ્યારે પ્રશ્ન થાય ત્યારે માનવ મન ભગવાનની શોધમાં નિકળે છે. આમ તો પૌરાણિક શાસ્ત્રોમાં તેત્રીસ કોટી એટલે કે તેત્રીસ પ્રકારના (તેત્રીસ કરોડ નહીં) દેવતાઓનો ઉલ્લેખ જોવા મળે છે. કિંતુ વ્યક્તિ પોતાના ઉછેર, સંસ્કારો અને આસપાસના વાતાવરણના પ્રભાવથી પરિચયમાં આવેલા ઈશ્વરના અલગ અલગ રૂપમાં મન પરોવવા પ્રયત્ન કરે છે. અંતે ઈશ્વરનો કોઈ એક રૂપ તેના અંતઃકરણમાં સ્થિર થાય છે. પછી શરૂ થાય છે પહેલી નજરના પ્રભુપ્રેમનો અધ્યાય.

અહીં કૃપેશનું મન પણ મારા સખા કૃષ્ણ સાથે અભિસંધીત થયું. ખરેખર તો મહાભારતના પાત્રો એ ફક્ત પાત્રો નહીં પથદર્શકો છે. અધ્યાત્મની યાત્રાના પ્રતિબિંબો છે. વ્યક્તિને જ્યાં સુધી સાક્ષાત્કાર નથી થતો ત્યાં સુધી

એ ફક્ત સાક્ષી છે, દ્રષ્ટા નથી, માયાથી અંધ બનેલી આંખો ધરાવનાર ધૃતરાષ્ટ્રની જેમ, તેને જોવા માટે સંજયની આંખોની જરૂર પડે છે. અધ્યાત્મના પ્રાથમિક તબક્કે આપણે પણ કોઈની આંખોથી અવલોકન કરીએ છીએ. જ્યારે અધ્યાત્મનો પ્રભાવ પડે ત્યારે વિદુર જેવી તટસ્થતા આવે છે. જ્યારે તટસ્થતા દ્રઢ થાય, ત્યારે જીવનમાં ભીષ્મ પિતામહ જેવી નિષ્ઠા અને નિતિમત્તા પ્રગટ થાય છે. કર્મમાં ધર્મનો સંચાર થાય, ત્યારે કર્ણ જેવી કર્મવીરતા પ્રાપ્ત થાય છે. આ જ પથ પર આગળ જતાં મહાબાહુ ભીમ જેવું મનોબળ મળે છે, યુધિષ્ઠિર જેવી ધર્મનિષ્ઠા, સહદેવ જેવી સ્થિરતા મળે છે. જેમ સહદેવ ત્રિકાળજ્ઞાની હોવા છતાં વિધિનાં વિધાન સમક્ષ સ્થિર રહે છે તેમ આપણે પણ સુખ-દુઃખ, હર્ષ-શોક, સંપત્તિ–વિપત્તિ વચ્ચે સ્થિર રહીએ છીએ.