મહિલા દિવસ નિમિતે કચ્છની બાળ કલાકારા વાચા ઠક્કરને મળ્યું ‘બાલ સરસ્વતી’ અને ‘બાલ શિરોમણી’ પુરસ્કાર

હાલમાં મહિલા દિવસ નિમિતે સમાજમાં પ્રેરણા સ્ત્રોત બની રહેલ નારી રત્નોનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન થયું ત્યારે સંગીત, કલા, સાહિત્ય અને સમાજસેવા થકી વિશ્વભરમાં કચ્છનું નામ રોશન કરનારી બાર વર્ષીય ગાયિકા, અભિનેત્રી, લેખિકા, કવિયત્રી અને સમાજસેવિકા વાચા ઠકકરને નામાંકિત સંસ્થાઓ ઓમકારધામ ધ્યાનતીર્થ દ્વારા ગુરુમૈયા ડૉ. હરેશ્વરીદેવીજી ને હસ્તે ‘બાલ સરસ્વતી ઍવોર્ડ’ તથા ઓલ ઈન્ડિયા મલયાલી અસોશિએશનના વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી મોહન નાયર અને મહિલા અગ્રણી શ્રીમતી તુલસી સુજાન ના હસ્તે ‘બાલ શિરોમણી ઍવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો.

આ પ્રસંગે આશીર્વાદ આપતાં ગુરુમૈયા એ કહ્યું કે “નાની વયે સંસ્કૃતિ, સમાજ અને સેવા માટે કલા થકી યોગદાન આપતી કચ્છની દીકરી વાચાએ બાલ સરસ્વતી રૂપ હોવાનું પ્રમાણ આપ્યું છે.” તો તુલસીબેન એ શુભકામનાઓ આપતાં કહ્યું કે “નાની વયે સંગીત અને કલા ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી વાચા એ કચ્છને ગૌરવ અપાવ્યું છે.” બહુવિધ પ્રતિભા ધરાવતી કચ્છની આ દીકરી વાચાના પચાસથી પણ વધુ ગીતો વૈશ્વિક સ્તરે લોન્ચ થયા છે.

તેના ભક્તિ, દેશભક્તિ અને પારિવારિક મૂલ્યોના ગીતોને કરોડો લોકોનો પ્રેમ મળતાં વિવિધ પ્લેટફોર્મ પર ટ્રેન્ડિંગ લિસ્ટમાં રહ્યા છે. તેણે કચ્છના ઐતિહાસિક સ્થળોને ઉજાગર કરતાં પંદર જેટલા મ્યુઝિક વિડિયોમાં અભિનય કરી કચ્છ ટુરિઝમ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તથા સંગીતકાર તરીકે તે ગીતો પણ કમ્પોઝ કરે છે. સનાતન સંસ્કૃતિને બાળકોમાં સીંચવા માટે લેખિકા વાચાના બાળસાહિત્યના બે પુસ્તકો ‘સનાતન વર્ડ સર્ચ’ અને ‘ગીતા વર્ડ સર્ચ’ બેસ્ટ સેલર રહ્યા છે. કવિયત્રી તરીકે વાચાની કવિતાઓ વિવિધ કાવ્યસંગ્રહોમાં પ્રકાશિત થયેલી છે. સમાજસેવા ક્ષેત્રે તે છેલ્લા આઠ વર્ષોથી ગિવ વાચા ફાઉન્ડેશનમાં સક્રિય પણે અનેક સામાજિક સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરે છે તો ‘ગૂંજે ગીતા’ અને ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ જેવા વૈશ્વિક અભિયાનોનું પ્રતિનિધિત્વ પણ કરે છે. આટલી નાની વયે તેણે ‘વાચા પૂજા કૃપેશ’ તરીકે સનાતન પરંપરાને અનુસરતા પોતાનો સર્વ કર્મયોગ માતા-પિતાને સમર્પિત કર્યો છે. તેમજ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેને સમ્માન પણ મળેલ છે.