મા તત્વ પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરતું પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’
Book Review by: Anjali Sevak
મા તત્વ પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરતો શબ્દોત્સવ એટલે ‘અર્જુન ઉવાચ: મા પર્વ’.
‘અર્જુન ઉવાચ: મા પર્વ’ એ ફક્ત એક પુસ્તક નથી, પરંતુ અધ્યાત્મના પથના અદના પથિકની આરંભેલી યાત્રા છે! એક એવી શોધયાત્રા કે જે માતાથી શરૂ થઈ, તેના અગિયાર સ્વરૂપોને શોધતી, પ્રદક્ષિણા કરતી, શબ્દ યાત્રા માંથી તીર્થ યાત્રામાં પરિણામે છે. લેખક અને આ ભાવવિશ્વના દ્રષ્ટા એવા ડૉ. કૃપેશ ઠક્કર, જિજ્ઞાસાની બીજી પરિભાષા સમાં તેમનાં સંતાનો પર્વ અને વાચા, તેમનાં જીવનમાં માતૃત્વનો પર્યાય એવા માતાશ્રી ડૉ. પૂજા ઠક્કર તેમજ જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, કર્મ માર્ગ અને ગીતા માર્ગના તેમનાં સહાધ્યાયી અર્જુન; આમ એક પરિવાર યાત્રા આરંભે છે. જેમાં પ્રત્યેક પાનાં સાથે વાચક પણ પરિવારના સદસ્યની જેમ જોડાતો જાય છે. આ યાત્રાની અનેરી વાત તો એ છે કે જેમ રસ્તો લાંબો હોય, ને થોડા થોડા અંતરે આવતો સાઇન બોર્ડ દિશા સૂચવતો જાય તેમ આ યાત્રામાં પણ પથદર્શક તરીકે એક મહાન સારથિ જોડાય છે, સારથિ કે જે ત્રિલોકના સ્વામી, સમસ્ત સંસારના મહાનાયક, જગદગુરુ, સ્વયં ભગવાન કૃષ્ણ છે અને એ સારથિ રૂપે જોડાય ત્યારે અંતિમ લક્ષ્ય સ્વરૂપે અખિલ સંસાર બાલ કૃષ્ણના મુખમાં નહીં કે ના તો વિરાટ સ્વરૂપે દિવ્ય દૃષ્ટિમાં દેખાય પરંતુ અંતિમ લક્ષ્યમાં બાલ કૃષ્ણને સમસ્ત સંસાર તેની માતા માં દેખાય છે.
સૃષ્ટિ જોવા માટે દૃષ્ટિ આપનાર માતા અને તેના જુદા જુદા અગિયાર સ્વરૂપો પ્રત્યે આજની, નવા વિચારો ધરાવતી પેઢી, સનાતન સંસ્કારો સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉત્સવ ઉજવે ત્યારે ખરા અર્થમાં ‘મધર્સ ડે: ઇન્ડિયન વે’ નો વિચાર સાર્થક થાય છે. જેની વાત આ પુસ્તકમાં કરવામાં આવઈ છે. ‘માતૃદેવો ભવઃ’ ના ભાવને કેન્દ્રમાં રાખી પરિક્રમા કરનાર લેખક અને તેમનાં પરિવારની આ શોધયાત્રા તેના દરેક ચરણમાં વાસ્તવિકતામાં પરિણમી ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ રૂપે શોભાયાત્રા બની છે ત્યારે આ વિચાર અને આ સંસ્કાર ‘મધર્સ ડે’ ની વ્યાખ્યા બદલી ને રહેશે એમાં કોઈ શંકા નથી!
– અંજલી સેવક
લેખિકા, કવિયત્રી