Arjun Uvacha: Adhyatmik Jatra | Book Review

‘Arjun Uvacha: Adhyatmik Jatra’ book review by Anjali Sevak


ચાલો વાત કરીએ એક પ્રશ્નથી ઉદ્ભવતી યાત્રાની કથા વર્ણવતી પ્રથમ કચ્છી બેસ્ટ સેલર બુક ‘અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા‘ વિષે કે જેમાં એક બાળકી વાચાના માનમાં પ્રશ્ન અવતરે છે અને એ પૂછે છે કે “પપ્પા, કિડા આયં કાનો?” ત્યારે તેના પિતા, લેખક ડૉ. કૃપેશ ઠક્કરને એ પ્રશ્ન તેના ભૂતકાળની યાત્રા એ લઈ જાય છે; જ્યારે એણે પણ પોતાના રહસ્યમયી મિત્ર અર્જુન ને પૂછ્યું “ચોને અર્જુન, કિડા આયં કૃષ્ણ?” અને પ્રશ્ન સાથે જ શરૂ થઈ એક એવી અધ્યાત્મિક યાત્રા કે જે ભક્તિ અને જ્ઞાનનાં સોપાનો સર કરતાં કરતાં, સ્વયં જ્ઞાનરૂપીણી શ્રીમદ ભગવદ ગીતાના દિશા નિર્દેશન થી ડૉક્ટરને લઈ જાય છે તે પ્રશ્નના ઉત્તર સુધી. વિસ્મય તો ત્યારે થાય જ્યારે એ જ યાત્રા પર પુત્રી એ નાના નાના પગલાં માંડ્યા હોય! ત્યારે જ તો યોગ્યતા, પાત્રતા અને બૌદ્ધિકતાના આધાર પર એક બાળક સમજી શકે એમ સંપૂર્ણ યાત્રાનું નવીન સ્વરૂપ અને યુવા વિચારધારા સાથે રૂપાંતર થાય છે. જેમાં ચાલતાં ચાલતાં અંતે ત્રણે પ્રવાસીઓ ડૉક્ટર, વાચા અને અર્જુન, એ ‘અહં બ્રહ્મસ્મી’ ના ઉત્તર સુધી પહોંચે છે.

આમ એક પ્રશ્ન સાથે ઉદ્ભવેલી, ભૂતકાળ અને વર્તમાન એમ સમયના આયમોમાં હિલોડાં લેતી પ્રશ્નના પથ પર શબ્દોના પગરવ માંડતી, એક પિતા-પુત્રી અને સખાની આ કથા, ‘અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા‘ એક કથા ન રહેતાં યાત્રા બને છે. જેથી એમ પણ કહી શકાય કે આ પુસ્તક વાંચનાર વ્યક્તિ, ફક્ત એક વાચક નથી રહેતો પરંતુ યાત્રી બની જાય છે. કારણ કે આ કોઈ એવો પ્રશ્ન નથી કે જે ફક્ત કોઈ એક વ્યક્તિના જીવનમાં આવ્યો હોય, પરંતુ એવો પ્રશ્ન છે જે વિધ વિધ સ્વરૂપે મારા, તમારા અને સૌના જીવન સાથે વણાયેલો છે. માટે આ અધ્યાત્મિક યાત્રા એ ફક્ત ડૉકટર કૃપેશ, વાચા કે અર્જુનની ના રહેતાં સર્વેની યાત્રા બને છે એમાં બે મત નથી! અર્જુન ઉવાચ સાથે કચ્છી ભાષા અને કચ્છી સાહિત્યના વિશ્વ ફલક પર પડેલાં કચ્છી લેખક ડૉ કૃપેશના પદચિન્હો એ કચ્છ અને કચ્છી જમીર માટે ગૌરવની વાત છે.

અંજલી સેવક
લેખિકા, કવિયત્રી