વિશ્વના સૌથી લાંબા સાહિત્ય પર્વ ‘કૃપ લિટરેચર ફેસ્ટિવલ’ નું કચ્છમાં શુભારંભ
હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા આયોજિત કૃપ લિટરેચર ફેસ્ટિવલનું ભુજ ખાતે શુભારંભ થયું. આ ફેસ્ટીવલ 3જી ફેબ્રુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી ઉજવાશે. ‘સંગચ્છધ્વં’ ના ભાવ સાથે બાર દિવસ સુધી ચાલનારા અને સાત ભાષાઓ સાથે લોકલ અને ડિજિટલ માધ્યમ થકી યોજાઇ રહેલા આ સાહિત્ય પર્વ એ વિશ્વના સૌથી લાંબા લિટરેચર ફેસ્ટિવલ હોવાનું વિક્રમ સર્જ્યુ છે, જેમાં બૉલીવુડ અને ગુજરાતી મ્યુઝિક તેમજ ફિલ્મ જગતના કલાકારો પણ જોડાયેલા છે.
આ પર્વના શુભારંભ સમારોહમાં કાર્યક્રમ અધ્યક્ષ શ્રી શંકરભાઇ સચદે એ આ ફેસ્ટિવલના દ્રષ્ટા ડૉ. કૃપેશ ઠકકર નું સન્માન કર્યું અને કહ્યું કે “કચ્છી, ગુજરાતી, હિન્દી, અવધિ, અંગ્રેજી, સંસ્કૃત અને સંગીત એમ સાત ભાષાઓને એક જ ભાવ સાથે સ્થાનિક તેમજ ઓનલાઇન માધ્યમે ઉજવતું આ વિશ્વનું સૌથી લાંબુ સાહિત્ય ઉત્સવ એ રાષ્ટ્રીય પર્વ સમાન છે અને કચ્છ ને વિશ્વસ્તરે ગૌરવ અપાવશે.” ત્યાર બાદ પ્રથમ ચરણની શરૂઆત પરિસંવાદ સાથે થઈ જેમાં કચ્છના સાહિત્યકારો શ્રી મદનકુમાર અંજારિયા, શ્રી કૃષ્ણકાન્ત ભાટિયા, ડૉ. રમેશ ભટ્ટ, શ્રીમતી અરુણાબેન ઠક્કર, ડૉ. કૃપેશ ઠકકર અને અંજલી સેવક એ પણ સાહિત્ય અને ભાષાઓ પર પ્રસંગોચિત વક્તવ્યો આપ્યા હતા. આ ઉત્સવ વિશે વાત કરતાં સંસ્થાના ટ્રસ્ટી ડૉ. કૃપેશ એ કહ્યું કે “આ પર્વમાં સાહિત્યને પુસ્તક, ઓડિયો બુક, સંગીત, ફિલ્મ અને વેબ સીરિઝ જેવા વિભિન્ન આયમો દ્વારા કઈ રીતે લોકો સુધી પહોંચાડી શકાય તેના નવતર પ્રયોગો થશે. આ સાથે જ ભારતભરના સાહિત્યકારોના બહુભાષી પુસ્તકો પ્રકાશિત થશે.” વધુમાં ફેસ્ટીવલ ડાયરેકટર ડૉ. પૂજા ઠકકર એ ઉમેર્યું કે “આ બાર દિવસ દરમિયાન સાત ભાષાઓના સાહિત્ય સંગીત પર્વ રૂપે કચ્છી મિજાજ, ગુજરાતી મિજાજ, બાતેં અનકહી, ભવતુ સંસ્કૃતમ્, અવધિ મિજાજ, ગિફ્ટ ઓફ થોટ અને કૃપ મ્યૂઝિક હિલ્સ અંતર્ગત કચ્છના વિવિધ શહેરોમાં પુસ્તક વિમોચન, કવિ સંમેલન, વર્કશોપ અને સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકો માટે ખાસ બાળ સાહિત્ય પર્વનું પણ સમાવેશ કરવામાં આવ્યો છે”.
આ પ્રસંગે કચ્છના વિવિધ શહેરોમાં સાહિત્યનું કાર્ય કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન પલ્લવી શેઠ અને અંજલી સેવક એ સંભાળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં સૌ પોતાના માતા-પિતાના નામ સાથે જોડાયા. આ પર્વને વિશ્વફલક પર ઉજાગર કરવા ઇઝી આઇડી અને કૃપ પ્રોડક્શન સંસ્થાઓ પોતાનું નિઃશુલ્ક યોગદાન આપી રહી છે.